રિવર્સ મોર્ગેજ લોન / વૃદ્ધાવસ્થામાં કોઈ સહારો નહીં હોય તો તમારું ઘર આવકનો સ્રોત બનશે, બેંક આ સુવિધા આપી રહી છે

Divyabhaskar.ComMay 31, 2019, 03:17 PM IST
યુટિલિટી ડેસ્કઃ આમ તો તમે અનેક પ્રકારની લોન વિશે સાંભળ્યું હશે. પરંતુ શું ક્યારેય તમે રિવર્સ મોર્ગેજ લોન વિશે સાંભળ્યું છે? જો વૃદ્ધાવસ્થામાં તમારો કોઈ સહારો નથી અથવા તમારાં બાળકો તમને આર્થિકરૂપે મદદ નથી કરતા તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આવા મુશ્કેલીના સમયમાં તમે રિવર્સ મોર્ગેજ લોનનો લાભ લઈ શકો છો. આ સ્કીમ બેંકોમાં ઉપલબ્ધ છે.
રિવર્સ મોર્ગેજ લોન શું છે?
રિવર્સ મોર્ગેજ લોન આપણે એક હોમ લોનનાં ઉદાહરણથી સમજીએ. ઘરના તમામ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાથી આપણને હોમ લોન મળી જાય છે. પછી એ લોન ચૂકવવા માટે દર મહિને હપ્તા ભરવા પડે છે. જેને EMI (ઈક્વેટેડ મન્થલી ઈન્સ્ટોલમેન્ટ) કહેવાય છે. આ રીતે હપ્તા ભરીને લોન ચૂકવવાની રહે છે. આ જ રીતે રિવર્સ મોર્ગેજ લોનમાં બેંક તમારું ઘર ગિરવે રાખી લે છે. પછી દર મહિને તમને પૈસા આપતી રહે છે. અરજદારનું જ્યારે મૃત્યુ થઈ જાય તો એ ઘર બેંકનું થઈ જાય છે.
ઘર પર લોન કેવી રીતે મળશે?
આ સ્કીમ હેઠળ માલિકે બેંકને પૈસા પરત આપવા નથી પડતા. બેંક તમારું ઘર ગિરવે મૂક્યા બાદ દર મહિને તમને પૈસા આપતી રહે છે. પૈસા દર મહિને કેટલા મળશે એ ઘરની કિંમત પર આધાર રાખે છે.
ઘરની કિંમત પર 60% સુધી લોન મળી શકે છે. આ સાથે જ માલિક પોતાના ઘરમાં તો રહી જ શકે છે. રિવર્સ મોર્ગેજ સ્કીમ હેઠળ પોતાનું ઘર ગિરવે મૂકતી વ્યક્તિના મૃત્યુ પછી ઘર બેંકનું થઈ જાય છે. જો એ વ્યક્તિના પરિવારજનો એ ઘર લેવા ઈચ્છે તો એ ઘરની કિંમત ચૂકવીને બેંક પાસેથી ઘર પરત મેળવી શકે છે. નહીં તો 15 વર્ષ પછી ઘર બેંકનું થઈ જતા તે એ ઘર વેચીને પોતાના પૈસા પરત મેળવી શકે છે.
આ સ્કીમ હેઠળ બેંક 60 વર્ષથી વધુ વય ધરાવતી વ્યક્તિને જ આ લોનની સુવિધા આપે છે. કેટલીક બેંક છે જે 72 વર્ષની ઉંમર વટાવ્યા પછી આ લોન નથી આપતી. આ લોન 15 વર્ષ માટે જ મળે છે.
આ લોનનો 15 વર્ષ સુધી લાભ લઈ શકાય
ભારતીય નાગરિક જેની ઉંમર 60 વર્ષ છે તે આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકે છે. આ માટે બેંકમાં પોતાનું ઘર ગિરવી રાખવા અરજી આપવી પડે છે. જો પતિ અને પત્ની મળીને આ સ્કીમ માટે અરજી કરે છે તો પત્નીની ઉંમર ઓછામાં ઓછી 58 વર્ષ હોવી જરૂરી છે. આ સ્કીમ હેઠળ 10થી 15 વર્ષ માટે અરજદારને દર મહિને બેંક દ્વારા નક્કી કરેલી રકમ મળે છે.
કોના માટે ઉપયોગી?
જો કોઇની પાસે નિવૃત્તિ પછી પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે આવકનો કોઈ સ્રોત નથી અને તેમના પરિવારમાં પણ કોઈ નથી. અથવા કોઈ છે પણ તે કોઈ મદદ નથી કરી રહ્યું એવા લોકો માટે આ સ્કીમ ઉપયોગી બની શકે છે. આવી વ્યક્તિને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે આ લોન આર્થિકરૂપે ફાયદાકારક સાબિત થાય છે.
From Discover on Google https://www.divyabhaskar.co.in/amp/national-news-in-gujarati/news/if-there-is-no-support-in-old-age-then-your-home-will-be-the-source-of-income-the-bank-is-offering-this-facility-1559296148.html